Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: December 2016
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

Tuesday, December 27, 2016

કદવાર ગામે આવેલું 1800 વર્ષ જૂનું ભગવાન વારાહ સ્વરૂપનું અતિપ્રાચિન મંદિર

કદવાર ગામે આવેલું 1800 વર્ષ જૂનું ભગવાન વારાહ સ્વરૂપનું અતિપ્રાચિન મંદિર

ગિર-સોમનાથ જિલ્લામાં છેવાડાનાં દરિયાકાંઠે સોમનાથથી 12 કિમી દૂર ભારતવર્ષનું એકમાત્ર ભગવાનનાં વારાહ સ્વરૂપનું અતિપ્રાચીન મંદિર આવેલું છે. મૌર્ય સમયની કલા, સંસ્કૃતિ અને કોતરકામથી શોભતું આ ભવ્ય મંદિર કદવાર ગામે આવેલું છે. ઇસ 212નાં ચંદ્રગુપ્ત મૌર્ય યુગની ઉત્તમ શિલ્પકળાની ઝાંખી અહીં થાય છે.

કદવાર ગામે 1800 વર્ષ જૂનું છે આ મંદિર


સોમનાથથી 12 કિમી દૂર કદવાર ગામે વારાહ ભગવાનનું મંદિર આવેલું છે. જેમાં ઇસ 212ની ચંદ્રગુપ્ત મૌર્યનાં યુગની ઉતમ શિલ્પકળાથી શોભે છે. તે ભારતવર્ષનું એકમાત્ર ભગવાનનાં વારાહ સ્વરૂપનું ભવ્ય મંદિર છે. મંદિર 1800 વર્ષ જૂનું છે. આ પવિત્ર સ્થળને અરબી સમુદ્રનાં ઘુઘવાતા સફેદ મોજાં સતતપણે પખાળતા રહે છે. સૌરાષ્ટ્રમાં ઇસ. 212થી ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું ત્યારે રાજા ધનાનંદનાં સાળાએ ભવ્ય મંદિર બંધાવ્યું હતું. કદવાર ગામનું જૂનું નામ કદ્વાર હતું તેમ જાણવા મળે છે.

Monday, December 26, 2016

સુખડીના વિશેષ પ્રસાદને લીધે દુનિયામાં જાણીતું બન્યું છે ગુજરાતનું આ જૈન મંદિર

ગુજરાતનાં મહત્ત્વનાં દર્શનીય અને પવિત્ર તીર્થધામો પૈકીનું એક જૈન ધર્મનું મહુડી તીર્થધામ છે. મહુડીમાં મૂળનાયક પદ્મપ્રભુ જિનેશ્વર ભગવાનનું 24 તીર્થંકર ભગવંતની દેરીસહિતનું જિનાલય આવેલું છે. આ મંદિરની પ્રતિષ્ઠા યોગનિષ્ઠ આ.ભ. શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજીના હસ્તે કરવામાં આવી હતી. જૈનશાસનના બાવન વીરો પૈકી ત્રીસમા વીર ઘંટાકર્ણ મહાવીર દેવની પ્રતિષ્ઠા પણ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજીએ કરેલ છે. આમ મહુડીમાં તીર્થંકર ભગવાનનાં દર્શનની સાથે ધનુર્ધારી ઘંટાકર્ણ મહાવીરનાં દર્શન અને અહીંનો સુખડીનો પ્રસાદ એ ભાવિકો માટે સંભારણું બની રહે છે. આ પ્રસાદ ઘરે કે મંદિરની બહાર લઇ જઇ શકાતો નથી તે પણ એક વિશેષતા છે.
આ સુપ્રસિદ્ધ મંદિરનો ઇતિહાસ જોઇએ તો સેંકડો વર્ષ પૂર્વે પ્રાચીન મહુડી ગામમાં પદ્મપ્રભુસ્વામી ભગવાનનું જિનાલય હતું. સાબરમતી નદીના અતિ પ્રચંડ પૂરને કારણે મહુડી ગામ ભયમાં આવી જતાં અગ્રણી જૈનોએ નવું ગામ વસાવી ત્યાં વસવાટ કરી નૂતન જિનાલય બનાવી મૂળ નાયક પદ્મપ્રભુસ્વામી, આદેશ્વરસ્વામીની પ્રતિષ્ઠા સંવત 1974માં માગશર સુદ 6ના દિવસે આચાર્ય બુદ્ધિસાગર સુરિશ્વરજી દ્વારા કરવામાં આવી તથા પૂ. ગચ્છાધિપતિ કૈલાસસાગર સૂરિશ્વરજી અને પૂ. સુબોધસાગર સુરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં 27 જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું અને ત્યારથી આ મહાન તીર્થનો વિકાસ થયો. 
ત્યારબાદ વિ.સંવત 2039માં કૈલાસાગર સુરિશ્વરજી અને સુબોધસાગર સુરિશ્વરજીની પ્રેરણાથી જિનાલયનો જીર્ણોદ્ધાર કરી મૂળનાયક પદ્મપ્રભુ ભગવાન, જમણી બાજુ શ્રેયાંસનાથ અને શાંતિનાથ ભગવાન તથા ડાબી બાજુ શીતલનાથ અને વાસુપૂજ્ય સ્વામીની પ્રતિષ્ઠા કરવામાં આવી. 

Sunday, December 25, 2016

અ'વાદમાં સાત્વિક ફૂટ ફેસ્ટિવલઃ વિસરાતી જતી વાનગીઓએ જમાવ્યું આકર્ષણ

અમદાવાદ : શહેરના ફાસ્ટ ફૂડ લવર્સને ટ્રેડિશનલ ફૂડ ટ્રાય કરવાનો અવસર મળ્યો છે. ત્રણ દિવસ માટે ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલ શરૂ થયો છે. સૃષ્ટિના ઉપક્રમે એઈએસ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલા વિસરાતી વાનગી મહોત્સવમાં વખતે 400 કરતાં વધારે વાનગીઓ રજૂ થઈ છે. વિસરાતી વાનગીઓમાં વખતે પોટલી ઢોકળી, મલ્ટિગ્રેન દાલબાટી, બામ્બૂશૂટ કરી, આદુતલની સુખડી, બકરી-ઉંટડીનાં દૂધ, મરાઠા દરબારમાં ઝૂલકાં ભાખર અને સાથે સાથે આયુર્વેદીક પાન આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.
સૃષ્ટિના અનિલ ગુપ્તાએ કહ્યું કે, ‘પારંપરીક વિસરાતી વાનગી મહોત્સવ અમદાવાદની આગવી ઓળખ બન્યો છે. અમે એવી વાનગીઓને પ્લેટફોર્મ આપીએ છીએ જે ખરેખર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદાકારક હોય. આજે ફાસ્ટ ફૂડના કલ્ચરમાં વાનગીઓ વિસરાઈ રહી છે ત્યારે શહેરીજનો અહીં આવે અને જુએ પછી ઘરે વાનગીઓ બનાવે તે કન્સેપ્ટથી આગળ વધ્યા છીએ.

વિસરાતી વાનગીઓ જોવા મળી સાત્વિકમાં

ઝૂલકા ભાખર અને માલવણી વડા,પોટલી ઢોકળી, કોરમાના પરોઠા, બાજરીનો ચટકો, મુળાની ઢોકળી, રાગી-મકાઈ-સોયાબીન-મેથી ને કોથમીરનો મિક્સ રોટલો, પપૈયાનો હલવો, કાંગ રાગીની ખીચડી, લીલવાની બ્રેડ કચોરી,પંચધાન કઠોળ બાસ્કેટ ચાટ, મૂળાની સુખડી, ઘઉંનો મીઠો દલિયો, ચીલની ભાજી સુપ, મેથી-મુળાની ભાજીવડીનું શાક, બીટ-ગાજર-ખજૂર-નાળીયેરનો મોદક વગેરે. 

Friday, December 23, 2016

ગુજરાતનું ડિજિટલ વિલેજ: ફ્રી Wi-Fiથી લઇ CCTV સુધીની છે સુવિધાઓ

શહેરાના પાદરડી ગ્રામ પંચાયતને વાઇફાઇ સજજ કરી


શહેરા તાલુકાના પાદરડી ગ્રામ પંચાયત વાઇફાઇ તેમજ સીસી ટીવી કેમેરાથી સજજ કરવામાં આવ્યા છે. કદાચિત જીલ્લાનું સૌપ્રથમ વાઇફાઇ યુકત ગ્રામ પંચાયત બનશે. 14માં નાણાંપંચ યોજના અંતર્ગત અમલમાં મુકવામાં આવ્યુ છે. તેમજ ગામની સુરક્ષાના ભાગરુપે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

જિલ્લાનું સૌપ્રથમ વાઇફાઇ ગ્રામ પંચાયત


કહેવાય છે કે જેવો રાજા તેવી તેની પ્રજા, રાજા જો સકારાત્મક કંઇક કરી છુટવાની ભાવનાવાળો હશે, કે મારો દેશ, મારૂ રાજય, મારૂ ગામ વિકાસની જે કેડીએ કંડારાઇ છે તેમાં જોડાય તો તે થતા કોઇ રોકી શકતુ નથી. કંઇક આવુ જ શહેરા તાલુકાના પાદરડી ગ્રામ પંચાયતનું છે. જેમાં પૂર્વ સરપંચ તરીકે ડો.કિરણસિંહ સોમસિંહ બારીયા નેતૃત્વ કરતા હતા. અને તેઓના કાર્યકાળ દરમ્યાન પાદરડી ગ્રામ પંચાયતે વિકાસની એક પછી એક કેડીઓ કંડારતા ગયા. વર્ષ 2015માં તાલુકા અને જીલ્લા પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી. જેમાં તેઓને શહેરા તાલુકા પંચાયત પ્રમુખ પદે બેસાડવામાં આવ્યા. જો કે કહેવાય છે કે માણસ ગમે તે સ્થાન પર પહોંચે, પરંતુ તે પોતાની માતૃભૂમિને નથી ભુલતો કંઇક એવુ જ આ કિસ્સામાં પણ છે.

14માં નાણાપંચ અંતર્ગત વિકાસ યોજના અમલ

Thursday, December 22, 2016

ઘરે જ માણો ગ્રીન ટામેટાંની ખાટી-મીઠી 5 સ્વાદિષ્ટ વાનગીની રેસિપિ!

આજે અમે તમારા માટે ગ્રીન ટોમેટો સ્પેશિયલ વાનગીઓ લઈને આવ્યા છીએ. લીલા ટામેટાં સ્વાદમાં થોડાક ખાટા હોય છે પણ હા સ્વાદ અને ગુણોથી ભરપૂર તો ખરા જ. બસ તો આવા જ સ્વાદિષ્ટ ટામેટાંની અવનવી વાનગીઓ ટ્રાય કરો. સામાન્ય રીતે ગુજરાતી ઘરોમાં લીલા ટામેટાંનું ગોળવાળું શાક બનતું હોય છે. જે ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગતું હોય છે. આજે અમે તમારા માટે તમે નવીનતા તરીકે કઢી શાક અને ગ્રીન સાલ્સા જેવી વાનગીઓ લઈને આવ્યા છીએ. બસ તો પહેલા નોંધી લો આ રેસિપિ અને પછી ટ્રાય કરો તમારા રસોડે. 

લીલા ટામેટાંની કઢી

સામગ્રી

-3 કપ સમારેલા લીલા ટામેટા
-1 કપ નારિયેળનું છીણ
-2 લીલા મરચાં સમારેલા
-1 ટેબલસ્પૂન તેલ
-1/2 ટીસ્પૂન રાઈ
-1/2 ટીસ્પૂન જીરું
-1/2 ટીસ્પૂન હિંગ
-7થી 8 મીઠા લીમડાના પાન
-1/2 ટીસ્પૂન ખાંડ
-1/4 કપ કોથમીર સમારેલી
-મીઠું સ્વાદાનુસાર

રીત

સૌપ્રથમ એક પ્રેશર કૂકરમાં 2 કપ પાણી, ટામેટાં, નારિયેળનું છીણ અને લીલા મરચાં બરાબર મિક્સ કરીને ત્રણ સીટી વગાડી લો. ત્યાર બાદ કુકર ઠંડું થવા દો. બરાબર ઠંડું થઈ જાય એટલે એક કપ પાણી ઉમેરીને તેને બરાબર બ્લેન્ડ કરી લો. એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે તેને ગાળીને એકબાજુ મૂકી દો. હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં જીરું, હિંગ અને મીઠો લીમડો ઉમેરીને સાંતળો. અડધી મિનિટ સાંતળ્યા બાદ તેમાં ટામેટાંની પ્યોરી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મીઠું, ખાંડ અને કોથમીર ઉમેરીને પાંચથી સાત મિનિટ માટે ચઢવા દો. ગેસ બધ કરીને ગરમા-ગરમ સર્વ કરો

Monday, December 19, 2016

સ્માર્ટ વિલેજમાં 100 ટકા માર્ક્સ મળ્યા - મહિલાઓએ બદલી નાંખી ગામની ઓળખ

આદર્શ અને હાઇટેક ગામ બાદલપરા

મહિલાઓએ બદલી નાંખી ગામની ઓળખ, પ્રેરણારૂપ બની રહ્યું છે ગુજરાતનું આ ગામ..

વેરાવળ : ગુજરાતમાં હાલ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીના પડધમો સંભળાઇ રહ્યાં છે. રાજ્યના અનેક ગામો સમરસ ગ્રામ પંચયાતની દિશામાં પહેલ કરી રહ્યાં છે અને વિકાસની નવી ગાથા લખવા જઇ રહ્યાં છે, પરંતુ સૌરાષ્ટ્રના વેરાવળ પાસે એક એવું ગામ આવેલું છે, જ્યાં પંચાયતી રાજની સ્થાપનાકાળથી લઇને અત્યારસુધી ક્યારેય કોઇ ચૂંટણી થઇ નથી, એટલું જ નહીં પરંતુ આ ગામનું સુકાન છેલ્લી ત્રણ ટર્મથી મહિલાઓના હાથમાં છે. મહિલાઓ પણ પોતાને સોંપવામાં આવેલી જવાબદારીને નિભાવી રહી હોય તેમ ગામને આજે એક આદર્શ અને નિર્મળ ગ્રામ તરીકે પ્રસ્થાપિત કર્યું છે. વિકાસની દ્રષ્ટિએ આ ગામ આજે અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યું છે. મહિલ બોડી દ્વારા સરાહનિય કાર્ય કરવામાં આવતા ગ્રામજનોએ સર્વાનુમતે ચોથી ટર્મ પણ મહિલાઓને સોંપવાનું નક્કી કર્યું છે.


 
પંચાયતી રાજની સ્થાપનાકાળથી વેરાવળ તાલુકાના બાદલપુરા ગામમાં એકપણ ચૂંટણી યોજાય નથી અને સતત બીહરીફ રહેલી આ ગ્રામ પંચાયતમાં છેલ્લા ત્રણ ટર્મથી સરપંચ અને સભ્યો સહિત સંપૂર્ણ મહિલા સમરસ બોડીની રચના કરવામાં આવી છે. આ મહિલા સમરસ બોડી દ્વારા ગામનો વિકસ પણ સુપેરે કરવામાં આવી રહ્યો છે. મહિલા બોડીએ આદર્શ ગ્રામ, નિર્મળ ગ્રામ, તીર્થ ગ્રામ સહિતને અનેક એવોર્ડ બાદલપરા ગ્રામ પંચાયતને અપાવ્યા છે. ગામમાં 100 ટકા શૌચાલય અને સ્વસ્છતા સાથે સુવ્યવસ્થિત આયોજન આ મહિલા સમરસ બોડી દ્વારા હાથ ધરવામાં આવી છે.

સ્માર્ટ વિલેજમાં 100 ટકા માર્ક્સ મળ્યા

Sunday, December 18, 2016

પાવાગઢમાં પંચમહોત્સવ: ટેન્ટ સિટી, હેરિટેજ વૉક, ક્રાફ્ટ શૉ બનશે આકર્ષણનું કેન્દ્ર

હાલોલ:સતત બીજા વર્ષે પાવાગઢ-ચાંપાનેર ખાતે પંચમહોત્સવ અંતર્ગત ટેન્‍ટ સીટીનો શાનદાર શુભારંભ ટાંણે  કલેક્ટર પી.ભારથીના હસ્‍તે દિપ પ્રાગટ્ય ટેન્‍ટ સીટીનું ઉદઘાટન કરાયુ હતુ. પાવાગઢના સાંનિધ્યમાં વડા તળાવ પાસે ૪૦ એ.સી. અને ૧૦ નોન એસી ટેન્‍ટ ઉભા કરાતા રાજયભરના પ્રવાસીઓ લાભ લઇ રહયા છે.


ચાંપાનેરમાં પંચમહોત્સવનો ભવ્ય કાર્યક્રમ

પંચમહાલમાં શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર બિરાજમાન મહાકાલી માતાના દર્શને વર્ષભર સતત લાખો યાત્રાળુઓ આવાતા હોય છે. લકુલીશ મહાદેવનું પૈરાણિક મંદિર, જૈન મંદિર, સાત કમાન, બાવામાનની મસ્‍જીદ, અને હરિયાળી વનશ્રી અહીં આવેલી છે. આ ઉપરાંત પાવાગઢ તળેટીમાં આવેલા ચાંપાનેર ખાતે ઐતિહાસિક વારસો ધરાવતા અને વર્લ્‍ડ હેરિટેજમાં સ્‍થાન પામેલા બેનમૂન સ્‍થાપત્યો આવેલા છે.

પંચમહોત્‍સવમાં અનેકવિધ આકર્ષણો ઉમેરાયા

ધાર્મિક, ઐતિહાસિક અને કુદરતી સૌંદર્ય ધરાવતા આ સ્‍થળને જાણવા અને માણવા વધુને વધુ સહેલાણીઓ આવે તે માટે સતત બીજા વર્ષે પર જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા પંચમહોત્‍સવ અંતર્ગત અનેકવિધ આકર્ષણો ઉમેરાયા હતા. રાજ્યના પ્રવાસન નિગમના સહયોગથી શરૂ કરાયેલ પંમહોત્‍સવમાં હેરીટેજ વોક, પિલગ્રીમ ટુર, નેચરલ ટ્રેઇલ, એડવેન્‍ચર સ્‍પોર્ટસ, ફોટોગ્રાફી વર્કશોપ, એમ્યુઝમેન્‍ટ પાર્ક, ક્રાફટ બજાર, ફલી માર્કેટ, ફુડ બજાર, કલ્‍ચરલ ઇવનિંગ જેવી એક્ટીવિટીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.


Friday, December 16, 2016

ગુજરાતના આ ગામમાં છે રામ ટેકરી, જ્યાં આજે પણ છુપાયેલું છે એક રહસ્ય..

ગુજરાતના આ ગામમાં છે રામ ટેકરી, જ્યાં આજે પણ છુપાયેલું છે એક રહસ્ય..

આઝાદ ભારત વખતે 1962માં ઝીયોલોજી વિભાગે પણ ખોદકામ કરતા અમુલ્ય સિક્કા અને દ્રવ્યો મળ્યા હતા..

ભરૂચ અને અંકલેશ્વર ભૂમિ એ તપોભૂમિ અને અધ્યાત્મ ભૂમિ તરીકે પૌણારીક ધર્મગ્રંથોમાં આજે પણ ઉલ્લખ જોવા મળે છે. હિડીમ્બાવન અને ધન્વંતરી વન તરીકે પ્રચલિત અંકલેશ્વર ખાતે આવેલ નાંગલ એક બંદર તરીકે જગ વિખ્યાત હતું અને માં નર્મદાના કિનારે આવેલા નાંગલ ગામ ખાતે મર્યાદા પુરષોત્તમ ભગવાન રામે કરેલા અશ્વમેધ યજ્ઞના રાખના ટેકરા રૂપે બનેલ રામ ટેકરી એક રહસ્ય આજે પણ બની રહેવા પામી છે.


અંકલેશ્વર નાંગલ ગામ ખાતે આવેલ રામ ટેકરી એક રહસ્ય

21મી સદીની પેઢી આજે બહુ જુજ અંકલેશ્વરના પૌણારીક અને ધાર્મિક તપો ભૂમિ વિષે જાણકાર છે એક સમયે નર્મદા નદી અંકલેશ્વર હાલના નગરમાંથી વહેતી હતી અને માંડ 5 કિમીના અંતરે આવેલા નાંગલ ગામ એક નાંગલ બંદર તરીકે જગ વિખ્યાત હતું. મોટા મોટા વહાણો અહીં લંગર લડતા હોવાથી તેનું નામ નાંગલ પડ્યું છે. ત્યારે પૌણારીક ગ્રંથો અને નર્મદા પુરણમાં ઉલ્લેખ મુજબ ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં પસાર થયા હતા. ભગવાન રામે માં નર્મદાના પવિત્ર નાંગલ ધાત પર અશ્વમેધ યજ્ઞ કર્યો હતો જે યજ્ઞમાં ઉત્પન થયેલ રાખનો ઢગલો આજે રામ ટેકરી તરીકે ઓળખાય છે. જે બાબતે આજની પેઢી બહુ જુજ માહિતી ધરાવે છે.


1962માં ઝીયોલોજી વિભાગે પણ ખોદકામ કરતા અમુલ્ય સિક્કા મળ્યા હતા

ભગવાન રામે યજ્ઞ બાદ અશ્વમેધ માટે રહેલ રથ આ યજ્ઞ સ્થળે હોમ્યું હતું. જે રથ માટે મોગલ, ગાયકવાડ સહીત અનેક રાજા રજવાડાએ પ્રયત્ન કર્યા હતા. પરંતુ તે રખના ઢગલામાંથી નીકળતા ભમરાના ઝુંડે ખોદકામના કરવા દેતાં ખરેખર રામ ટેકરીમાંથી નીકળતી રાખનું રહસ્ય આજે પણ અંકબંધ રહ્યું છે. તો આજે પણ જ્યાં પણ રામ ટેકરી પર ખોડો ત્યાં રાખજ નીકળે છે. 1962માં ભારત સરકારના જીયોલોજી વિભાગે અહીં ખોદકામ કર્યું હતું. જેમાંથી અનેક રત્ન, સીક્કા, તેમજ હાડકા નીકળા હતા. જેન અભ્યાસ તેમજ સંગ્રાહલયમાં મુકવા લઈ ગયા હતા. સંજોગો વસાત જેતે વખતે કામગીરી અટકી જતાં આજેપણ રામ ટેકરીમાંથી નીકળતી રાખનું મૂળ રહસ્ય અંકબંધ રહેવા પામ્યું છે.

ભારત આઝાદ થયા બાદ જીયોલોજી વિભાગે રહસ્ય જાણવાનો પ્રયત્ન કર્યો હતો

લોક વાયકા અને પૌણારિક ધર્મગ્રંથોના આધાર પ્રમાણે વડીલો પાર્જીતથી ચાલી આવતી વાત મુજબ નાંગલ ગામ નર્મદા કિનારે આવેલ એક અત્યંત સમૃદ્ધ બંદર હતું અને વહાણો જે લગાડતા હતા તેના પરથી નાગલ ગામ નામ પડ્યું હતું અને ભગવાન રામે અહીં અશ્વમેધ યજ્ઞ કર્યો હતો તે સ્થળ આજે રામ ટેકરી તરીકે જાણીતું છે. બ્રામણ યજ્ઞ ઓછા પડતા યજ્ઞની આહુતિ માટે સજોદના પટેલ લોકોને ભગવાન રામે સિદ્ધ રુદ્ર કરી બ્રામણ તરીકે પ્રસ્થાપિત કર્યાં હતા અને રામ ટેકરીના રહસ્ય અને ભગવાન રામે હોમેલ રથ મેળવા માટે બરોડા સ્ટેટના ગાયકવાડ રાજાએ પણ ખોદકામ કર્યું હતું તો અમારી નજરો સમક્ષ સરકારના જીયોલોજી વિભાગે પણ ખોદકામ કર્યું હતું જેમાંથી રત્ન, સીક્કા, તેમજ હાડકાં નીકળ્યાં હતાં જેન અભ્યાસ તેમજ સંગ્રાહલયમાં મુકવા લઈ ગયા હતા. - કેશવ પટેલ, ગામ અગ્રણી અને નિવૃત શિક્ષક, નાગલ..


પૂર્વજોને સિદ્ધ કરી રુદ્ર કરી સજોદ્રા પટેલ બ્રામણ તરીકે પ્રસ્થાપિત કર્યાં

નાંગલ ગામ ખાતે ભગવાન રામે કરેલ અશ્વમેધ યજ્ઞ વખતે આહુતિ માટે બ્રામણ ખૂટતા ભગવાન રામે ભગવાન શિવની આરાધના કરી સજોદ રુદ્ર કુંડ જે હાલ સિદ્ધનાથ મહાદેવ મંદિરે આજે પણ છે ત્યાં અમારા પૂર્વજોને સિદ્ધ કરી રુદ્ર કરી સજોદ્રા પટેલ બ્રામણ તરીકે પ્રસ્થાપિત કર્યાં હતાં આજે પણ અમે સિદ્ધ રુદ્ર સજોદ્રા પટેલ બ્રામણ તરીકે ઓળખાય છે. બસ કર્મકાંડ અમે નથી જે બાબતે અમારા પૂર્વજો દ્વારા પેઢી દર પેઢીથી ચાલી આવ્યું છે અને જાણકારી વડીલો આપી રહ્યા છે.





કોળિયાક નજીક દરિયા વચ્ચે પાંચ પાંડવોએ રેતીથી બનાવેલું જ્યોતિર્લિંગ નિષ્કલંક મહાદેવ..

કોળિયાક નજીક દરિયા વચ્ચે પાંચ પાંડવોએ રેતીથી બનાવેલું જ્યોતિર્લિંગ નિષ્કલંક મહાદેવ..

ભાવનગરથી 23 કિમી દૂર કોળિયાક નજીક દરિયા વચ્ચે પાંચ પાંડવોએ રેતીથી બનાવેલું જ્યોતિર્લિંગ નિષ્કલંક મહાદેવ આવેલું છે. શ્રાવણ મહિનાના અંતિમ દિવસે ભાવનગરથી 23 કિમી દૂર આવેલ કોળિયાક ખાતે દર વર્ષે ભાદરવી અમાસે બે લાખ કરતાં પણ વધુ ભાવિકો દરિયાનું પવિત્ર સ્નાન કરી પુણ્ય કમાય છે. પાંડવો અહીં કાૈરવો સામેના મહાભારતના યુદ્ધ બાદ પાપમાંથી મુક્ત થયા હોવાથી આ સ્થળ નિષ્કલંક તરીકે વિખ્યાત છે.


આ શિવલિંગની સ્થાપના અંગે લોકવાયકા જોઇએ તો કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો કૌરવ સહિત અનેક મોતને ભેટતા પાંચ પાંડવોને થયું કે આપણા માથે કલંક ચડ્યું છે. આથી તે દૂર કરવાનો ઉપાય પૂછવા તેઓ દુર્વાસા ઋષિ પાસે ગયા. આથી તેમણે ઉપાય જણાવ્યો કે, તમો હાથમાં કાળી ધજા રાખી દરિયાને કાંઠે કાંઠે ચાલતા જાવ. એક કાંઠે એવી પવિત્ર ધરતી આવશે કે જ્યાં નહાવાથી તમારી ધજા કાળીમાંથી ધોળી થઇ જાય ત્યારે માનજો કે તમારા માથેથી કલંક ટળી ગયું. પાંડવોએ આથી દુર્વાસા ઋષિને પૂછ્યું કે આ જગ્યા અમને મળશે ક્યાં? ત્યારે દુર્વાસા ઋષિ કહે કે બાર વર્ષે એક વાર ધ્રુવ છઠ આવે ત્યારે ગંગા-જમનાનો પ્રવાહ દરિયામાં ભળે છે. અને તેમાંથી એક મોજું છૂટું પડે છે. તે મોજામાં સ્નાન કરવાથી તમારા માથેથી કલંક ઊતરી જશે. છતાં તમે સહદેવને પૂછશો તે તમને જણાવશે. પાંચેય પાંડવો કાળી ધજા લઇ દરિયાકાંઠે ચાલતા ચાલતા અનેક જગ્યાએ ફર્યા. રસ્તામાં ગોહિલવાડની ધરતી પર આવી પહોંચી તેમાં મીઠી વીરડી નામનું ગામ આવ્યું. પાંચેય પાંડવો અત્રે રોકાયા. આ ગામમાં તમે આજે પણ જાવ તો ભીમના ઢોલિયાના પાયા પડેલા જોવા મળશે. હજુ પણ લોકો તેનાં દર્શન માટે જાય છે. પાંડવો ગોહિલવાડમાં આવ્યા હોવાનો આ પુરાવો છે. બાર વર્ષ પછી ફરી ધ્રુવ છઠનો પવિત્ર દિવસ આવ્યો ત્યારે સમુદ્ર જ્યાં ઘૂઘવાટા કરતો હતો તે દરિયામાં પાંડવોએ સ્નાન કરી ધજા સામે જોયું તો તે કાળીમાંથી ધોળી થઇ ગઇ હતી. આથી પાંડવો પરથી કલંક ઊતરી ગયું. ભોળાનાથે પાંડવોને દર્શન આપ્યાં. આથી પાંડવોએ ભોળાનાથને વિનંતી કરી કે, પ્રભુ અમને દર્શન આપ્યાનું આ જગ્યામાં પ્રમાણ આપવું પડશે. આથી સદાશિવે પાંચેય પાંડવોને કહ્યું કે મારું તમે રેતીથી શિવલિંગ બનાવો. આ પવિત્ર જગ્યા પરથી તમારું કલંક નાબૂદ થયું હોવાથી તે નિષ્કલંક તરીકે ઓળખાશે. આ જ્યોતિર્લિંગમાં મારો વાસ રહેશે. 

Thursday, December 15, 2016

ગુજરાતની આવી તસવીરો તમે ભાગ્યે જ જોઇ હશે, છાતી 56ની થઇ જશે!


ગુજરાત હવે બોલિવૂડ માટે ઘર આંગણું બનતું જાય છે, ફિલ્મ્સના લોકેશન માટે રાજ્યમાં વધુને વધુ ફિલ્મ મેકર આવી રહ્યા છે. તાજેતરમાં જ શાહરૂખખાનની ફિલ્મ ‘રઇસ’નું શૂટિંગ અમદાવાદમાં થયું. ‘રઇસ’ની જેમ જ ‘મોંહે-જો-દરો’, ‘પીકુ’નું શૂટિંગ પણ ગુજરાતમાં જ થયેલું છે. ગુજરાતમાં સારા ફિલ્મ લોકેશનનો લોકો સમક્ષ રજૂ કરવા મુવિંગ પિક્સલ્સ કંપની ડિરેક્ટર મનિષ બારડીયાએ એક ચાર મિનિટનું એક ગીત તૈયાર કર્યું હતું. આ ગીતમાં ગુજરાતના જાણીતા સ્થળોને ફિલ્મના શૂટિંગના લોકેશનની નજરે રજૂ કરવામાં આવ્યા છે. મનિષ બારડીયાએ આ અંગે જણાવ્યું હતું કે,  'સિનેમેટીક ટુરિઝમ કોન્ફરન્સ માટે એક એડ બનાવવામાં આવી હતી તેનું જ અપડેટેડ વર્ઝન છે આ. અમે વિચાર્યું કે ગુજરાતના આ સ્થળોને ફિલ્મ મેકર્સને ગમી જાય તે દ્રષ્ટીએ રજૂ કરીએ અને એ માટે અમે દરેક સ્થળને અલગ અંદાજમાં રજૂ કર્યું છે.'  


 
‘હમ દિલ દે ચુકે સનમ’ બોલિવૂડનું ધ્યાન વધુ ખેંચાયું

બોલિવૂડ ગુજરાત પર પસંદગીના ઢોળાઇ રહેલા કળશ પાછળ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સારી સ્થિતિ, મળતાવડા લોકો, સસ્તી મજૂરી અને મનભાવન લોકેશનને કારણભૂત ગણાવે છે.  ગુજરાત તરફ બોલિવૂડનું વધુ ધ્યાન 1999માં આવેલી સલમાન-ઐશ્વર્યાની ‘હમ દિ


ગુજરાતમાં શૂટિંગ માટે જાણીતા સ્થળો

ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ માટે સાપુતારા, ચાંપાનેર, માંડવી બીજ-ભૂજ, ગોપનાથ બીચ-ભાવનગર, સોમનાથ, દ્વારકા, અડાલજની વાવ, મોઢેરા સૂર્ય મંદિર, સરખેજ રોઝા, જૂનાગઢ, લખપત, કચ્છનું મોટું અને નાનું રણ, નર્મદા, પોલોના જંગલ, બાલારામ પેલેસ, દરબારગઢ પોશીના, ખિરસરા પેલેસ-રાજકોટ, ગોંડલ પેલેસ, વિજય વિલાસ પેલેસ-માંડવી, લક્ષ્મી વિલાસ પેલેસ-વડોદરા, રાજવંત પેલેસ-રાજપીપળા સહિતના સ્થળો બહુ જાણીતા છે. 


જાન્યુઆરી 2014થી ગુજરાત સરકારે ફિલ્મ શૂટિંગ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સની સગવડ કરી આપી છે. ત્યારથી 70થી વધુ હિન્દી, દક્ષિણની ફિલ્મનું શૂટિંગ થયું છે. જ્યારે 50થી વધુ ભોજપુરી ફિલ્મનું શૂટિંગ થયું છે.

આમિરખારની ‘લગાન’માં પણ કચ્છની ધરતી પર ફિલ્માવેલી હતી. માત્ર હિન્દી ફિલ્મ્સ જ નહીં પણ દક્ષિણના ફિલ્મ મેકર પણ ગુજરાત તરફ વળી રહ્યા છે. મલયાલમ ફિલ્મ Ayaal Njanalla નું શૂટિંગ પણ ગુજરાતમાં થયું છે. મહેશબાબુની ફિલ્મ Dookudu માં કચ્છનું રણ દેખાશે. પાકિસ્તાની ફિલ્મ મેકર મેહરીન જબ્બારની ફિલ્મ રામચંદ પાકિસ્તાનીનું શૂટિંગ પણ કચ્છમાં થયું હતું.


Wednesday, December 14, 2016

સુરતની અજીબો-ગરીબ ઘટનાઃ મધરાતે રોડ પર સર્જાય છે સફેદ ફીણની ચાદર

સુરત:કતારગામ ગજેરા સર્કલ નજીકના રોડ મધરાત થતાં જ સફેદ ચાદરમાં બદલાઇ જવાની અજીબો-ગરીબ ઘટનાએ સૌ કોઇને ચોંકાવી નાખ્યા છે. છેલ્લા 10 દિવસથી રોડ ઉપરની ગટર લાઇનમાંથી નીકળતા સફેદ ફીણને લઇ અનેક પ્રશ્નો ઉભા થયા છે.

પાલિકાના અધિકારીઓ પણ આશ્ચર્યમાં મૂકાયા

ગટરમાંથી સફેદ ફીણ નીકળવા બાબતે પાલિકાના અધિકારીઓને પણ પ્રાથમિક તપાસમાં કશું પણ બહાર ન આવતા આશ્ચર્યમાં મૂકાઇ ગયા છે. એક કિલોમીટરના રહેણાંક વિસ્તારમાં ચાલતી કોઇ ગેરકાયદે પ્રવૃતિને લઇ ગટરમાંથી સફેદ ફીણ બહાર આવી રહ્યું હોવાની લોકોમાં ચર્ચાઓ ઉઠી રહી છે.

10 દિવસથી નીકળતા સફેદ ફીણથી લોકો પરેશાન


સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, રાત્રીના એક વાગ્યા બાદ જ ગટરમાંથી કેમિકલયુક્ત સફેદ ફીણ રોડ ઉપર આવેલી ગટરમાંથી બહાર આવી રહ્યું છે. આ એક અજીબો-ગરીબ ઘટના છે. લગભગ એક કિલોમીટરના વિસ્તારમાં મોટાભાગની સોસાયટીઓ આવેલી છે. રહેણાંક વિસ્તારમાં કોઇ ગેરકાયદે પ્રવૃતિ ચલાવતા હોય અને તેમાં વપરાતા કેમિકલમાંથી નીકળતા સફેદ ફીણને ગટરમાં નાખતા હોય એવું પણ અનુમાન કરાઇ રહ્યું છે. છેલ્લા 10 દિવસથી નીકળતા આ ફીણની દુર્ગંધને લઇ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પોલીસ અને પાલિકાના અધિકારીઓ રોજ રાત પડેને આવે છે અને જોઇને જતાં રહેતા હોવાનું લોકોએ જણાવ્યું હતું. 

દિવસમાં બે-વાર અરબસાગરમાં ગાયબ થાય છે આ મંદિર, શિવપુત્રે કર્યું'તું નિર્માણ!

દિવસમાં બે-વાર અરબસાગરમાં ગાયબ થાય છે આ મંદિર, શિવપુત્રે કર્યું'તું નિર્માણ!

સ્તંભેશ્વર મહાદેવ મંદિર ભારતનું સૌથી રહસ્યમય મંદિર છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિરને અદ્રશ્ય થનાર મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિરને અદ્રશ્ય થતું મંદિર કહેવા પાછળ એક અનોખી ઘટના છે. તે ઘટના વર્ષમાં ઘણીવાર જોવા મળે છે, જેના કારણે આ મંદિર પોતાનામાં જ ખૂબ ખાસ છે.


ક્યાં છે આ અનોખું મંદિરઃ-

સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાત રાજ્યના વડોદરા શહેરથી લગભગ 60 કિમીના અંતર પર સ્થિત કવિ કમ્બોઈ ગામમાં છે. આ મંદિર અરબ સાગરમાં ખંભાતની ખાડીના કિનારે સ્થિત છે. દરિયાની વચ્ચે સ્થિત હોવાને કારણે તેની સુંદરતાં જોવા લાગ્ય છે. દરિયાની વચ્ચે સ્થિત હોવાને કારણે આ મંદિરનું સૌંદર્ય વધે છે અને સાથે જ એક અનોખી ઘટના પણ જોવા મળે છે.


Tuesday, December 13, 2016

થોળ પક્ષી અભ્યારણમાં વિદેશી પક્ષીઓનો કલરવ - અમદાવાદને અડીને આવેલી છે આ રમણીય જગ્યા, વીકેન્ડમાં મજા કરાવી દેશે!

ઠંડીની શરૂઅાત થવાની સાથે જ નવેમ્બર થી ડિસેમ્બર અને જાન્યુઆરીમાં થોળ પક્ષી અભ્યારણ્ય ખાતે રંગબેરંગી અનેક પક્ષીઓથી આયુષ તળાવ આહલાદક બન્યુ છે. ત્યારે 100 જાતના વિદેશી પક્ષીઓનું આગમન થઇ ગયું છે. જેમાં કુંજ, બતક, ફ્લેમિંગો, પેલીકેન, ગ્રે લેગગુસ, કોમનકુટ (ભગતડા), બ્રાહ્મણીડગ, હેરોનરી બર્ડ, કરકરા, સુરખાબ, કોમનક્રેન તેમજ અન્ય સ્થાનિક પક્ષીઓનું આગમન થઇ ગયું છે. 

અમદાવાદને અડીને આવેલી છે આ રમણીય જગ્યા, વીકેન્ડમાં મજા કરાવી દેશે!

અમદાવાદથી માત્ર 25 કિલોમીટર દૂરના અંતરે થોળ તળાવ આવેલું છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ અહીં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. જોકે, આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં વધુ પક્ષીઓ અહીં મહેમાન બન્યા છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલાં થોળ ગામ પાસે આવેલા તળાવ અને તેના કાંઠાના વિસ્તારોને થોળ પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યો છે.

150 જાતિઓના પક્ષીઓ

થોળ ગામ નજીક એક તળાવ આવેલું છે. 1912માં ગાયકવાડ શાસન દરમિયાન સિંચાઇ માટેનું પાણી પુરું પાડવા માટે આ તળાવ બંધાવવામાં આવ્યું હતું. 1988માં તેને થોળ પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 150 જાતિઓના પક્ષીઓ રહે છે. તેમાં 60 ટકા પાણીના પક્ષીઓ છે. ખાસ કરીને સુરખાબ અને સારસ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

શિયાળામાં પ્રેમી પંખીડાઓમાં ફેવરિટ

શિયાળા દરમિયાન અહીં પ્રેમી પંખીડાઓ ખાસ ફરવા આવે છે અને સાથે વિદેશી પક્ષીઓ પણ અહીં પડાવ નાંખે છે. વિદેશી પક્ષીઓને જોવા અને તેમનો મીઠો કલરવ સાંભળવા આવતા પ્રવાસીઓ પણ અહીં આવીને રોમેન્ટિક બની જાય છે અને કેમેરામાં પક્ષીઓને ક્લિક કરવાની સાથે પોતાની મીઠી યાદોના સંભારણાને પણ દિલમાં કંડારી લે છે.

નવું નજરાણું: સમગ્ર દેશમાં ન હોય એવો એમ્યુઝમેન્ટ કમ વોટરપાર્ક સુરતમાં

સુરત પાલિકાએ મગોબ ખાતે લોકભાગીદારીથી એમ્યુઝમેન્ટ કમ વોટરપાર્ક બનાવ્યો છે. વોટરપાર્ક અને એમ્યુઝમેન્ટ પાર્કથી શહેરીજનોને હરવા ફરવા માટેનું નવલું નજરાણું શહેરમાં જ મળી રહેવાનું છે. જ્યારે આ એમ્યુઝમેન્ટ કમ વોટરપાર્ક અને તેમાં રહેલી 23 જેટલી રાઇડ પૈકી કેટલીક રાઇડનો સમગ્ર દેશમાં ક્યાંય ન હોવાનો દાવો કરાઇ રહ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મૂકાશે ખુલ્લો

એમ્યુઝમેન્ટ પાર્ક અને વોટર પાર્કની મજા માણવા મોટાભાગના લોકો લોનાવાલા સુધી જતા હોય છે. કારણ કે શહેરમાં તેવી સુવિધા ન હોવાના કારણે પાલિકાએ લોકભાગીદારીથી મગોબ ખાતે એમ્યુઝમેન્ટ પાર્ક કમ વોટર પાર્ક બનાવ્યો છે. જેનું ઉદ્ધાટન 15 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે.

તમામ રાઇડથી માંડીને મોટાભાગની સામગ્રી વિદેશથી મંગાવાઇ
 
એમ્યુઝમેન્ટ કમ વોટરપાર્ક વિકસાવવા માટે 15 એકર જમીનની ફાળવણી થઇ હતી. જેમાં એમ્યુઝમેન્ટ કમ વોટરવાર્ક ઇન્ટરનેશનલ કક્ષાનો બનાવાયો છે. વોટરપાર્કમાં ઉભી કરાયેલી તમામ રાઇડથી માંડીને મોટાભાગની સામગ્રી વિદેશથી મંગાવાઇ છે. તેમજ વિદેશમાં જે રીતે વોટર પાર્ક હોય તે પ્રમાણેની થીમ પર સમગ્ર વોટરપાર્ક બનાવાયો છે. જેથી તેનું લોકાર્પણ થયા બાદ લોકો વોટરપાર્કમાં જતા વિદેશમાં હોય તેવો અનુભવ થવાની પુરેપુરી શક્યતા રહેલી છે.

સમગ્ર દેશમાં આવો વોટર પાર્ક ન હોવાનો દાવો

મગોબના વોટર પાર્ક અને તેમાં રહેલી 23 જેટલી રાઇડ પૈકી કેટલીક રાઇડનો સમગ્ર દેશમાં ક્યાંય ન હોવાનો દાવો કરાઇ રહ્યો છે. કારણ કે આ રાઇડમાં વાપરવામાં આવેલા બોલ્ટ સહિતનો સામાન વિદેશથી મંગાવાયો છે. આ પ્રમાણેનો વોટર પાર્ક ડિઝની લેન્ડ, બર્લિન જેવા શહેરોમાં હોય તે પ્રમાણેની રાઇડ તૈયાર કરાઇ છે. જેથી ફરવા આવનાર લોકોને સુરક્ષાથી માંડીને આનંદ કરી શકે તે માટેના તમામ પ્રયાસ કરાયા હોવાનો પણ દાવો કરાય રહ્યો છે.

એક દિવસમાં 2500 લોકો મજા માણી શકશે

આયોજકોએ 2500 ટિકીટ આપી દેવામાં આવ્યા બાદ પ્રવેશ નહીં આપવાનુ નક્કી કર્યુ છે. કારણ કે વધારે પ્રવેશ અપાય તો લોકો વોટરપાર્કની મજા માણી શકે તેમ ન હોવાથી 2500 વ્યક્તિઓ પછી પ્રવેશ નહીં આપવા માટેની વિચારણા કરવામાં આવી રહી છે.

વિદેશની થીમ પર વોટરપાર્કનું આયોજન

  1. 15 એકર જમીનનો ઉપયોગ
  2. 2500 સહેલાણીઓ રોજ મજા માણી શકશે
  3. 1500 રૂ. સુધીનો દર વ્યક્તિ દીઠ

ગુજરાતમાં છે દેશનું સૌથી મોટું લોન્ડ્રી યુનિટ: જાણો, કેવી રીતે થાય છે કામ

ફિલ્મોમાં કે રીયલમાં તમે ધોબીઘાટ તો જોયો જ હશે, આ ઉપરાંત ઘરે આવીને કપડાને પ્રેસ કરવા તેમજ ધોવા માટે લઇ જતા લોન્ડ્રીબોયથી પણ પરિચિત હશો, રેલવેમાં જ્યારે લાંબા અંતરની મુસાફરી કરવાનું થયુ હશે ત્યારે રેલવે તરફથી આપવામાં આવતી ચાદર, નેપકિન અને બેડશિટ સર્વિસથી પણ આજે કોઇ અજાણ નહીં હોય. રેલવેની પ્રિમિયન કહેવાતી ટ્રેનમાં જ્યારે લાંબા અંતરની મુસાફરી શરૂ ત્યારે સફર દરમિયાન રેલવે તંત્ર તરફથી મુસાફરોને ક્લોથ સેટ આપવામાં આવે છે. જેમાં એક નેપકિન, બેડશીટ અને ચાદરનો સેટ હોય છે. જેટલા વ્યક્તિઓના નામ ટિકિટમાં હોય છે તે સિવાઇ એક એક્સટ્રા સેટ પણ આપવામાં આવે છે.
ટ્રેનમાં સફાઇને લઇને હવે રેલતંત્ર સક્રિય થયુ છે તે સાથોસાથ કોચમાં આપવામાં આવતા ક્લોથ સેટ પણ નીટ એન્ડ ક્લિન જોવા મળશે, ચોખ્ખાઇ સાથે ચૂનાના પથ્થરને પણ ટક્કર મારે એવી સફેદ ચાદર અને નેપકિન મુસાફરોને આપવામાં આવે છે. ટ્રેનમાં હોય ત્યારે સ્વાભાવિક છે કે એક સવાલ થાય કે આ બધા સેટ ધોવાતા ક્યારે હશે, ક્યારે ઇસ્ત્રી થઇને પેકિંગ થતુ હશે, આ તમામ સવાલના જવાબ છે દેશના સૌથી મોટા લોન્ડ્રી યુનિટ પાસે. અમદાવાદના સરસપુરમાં આવેલું રેલવે લોન્ડ્રી યુનિટ આ તમામ કામગીરી કરે છે. જ્યાં રોજના 17000 કપડા ધોવામાં આવે છે. એટલે કુલ 16 ટન કપડાનો ધોબ નીકળે છે. ક્લોથના સેટને આપના સુધી પહોંચાડવાથી લઇને ગંદા તથા વપરાયેલા ક્લોથને ધોવાથી ઇસ્ત્રી કરવા સુધી.

વિશ્વમાં ગુંજે છે ગુજરાતના આ આદર્શ ગામનું નામ, આધુનકતાથી છે ભરપૂર

ગ્રામપંચાયતોની ચૂંટણીઓનું બ્યૂગલ ફૂંકાઇ ગયું છે. ગામડાઓમાં પક્ષો તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. આજે ગામડાનો વ્યક્તિ પણ ટેક્નોલોજીના લીધે સજાગ અને હોશિયાર થઇ ગયો છે. ઇન્ટરનેટ અને મોબાઇલ ક્રાંતિએ વિકાસમાં અગાથ ફાળો આપ્યો છે. આજે ગુજરાત સહિત દેશભરમાં એવા અનેક ગામોને છે જે સતત વિકાસરૂપી હરણફાળ ભરી રહ્યાં છે. પણ ડીજીટલ-આદર્શ ગામ સાંભળતા જ તમામના મનમાં એક જ નામ આવે ‘પુંસરી' ગામ. ત્યારે વિકાસને લઇને આજે વિશ્વફલક પર ડંકો વગાડનાર પુંસરી ગામથી કોઇ અજાણ નથી.

આદર્શ ગામ બનાવવામાં પુંસરીના સરપંચની મહત્વની ભૂમિકા
પુંસરીને એક આદર્શ ગામ બનાવવામાં પુંસરીના સરપંચની મહત્વની ભૂમિકા છે. સરપંચ તરીકે 2 ઇનિંગ રમી ચૂકેલા હિંમાશુ પટેલે 10 વર્ષમાં અનેક સમસ્યામાંથી પ્રેરણા લઈ પોતાના ગામને આદર્શ બનાવ્યુ છે. ગુજરાતના પુંસરી ગામની મુલાકાતે માત્ર દેશ નહીં પણ વિદેશના અનેક પ્રતિનિધી મંડળો આવે છે. હાલ ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને ચાલી રહેલા માહોલ વચ્ચે વર્ષ 2006થી પુંસરી ગામના સરપંચ તરીકે રહેલા હિમાશુ પટેલે આ જવાબદારીમાંથી મુક્ત થતા હોવાનું પોતાના ફેસબુક પર જણાવ્યું છે. ત્યારે દિવ્યભાસ્કર.કોમ દ્વારા તેમનો ખાસ ઇન્ટરવ્યું કર્યો હતો જેમાં કેટલીક રસપ્રદ વાતો જાણવા મળી હતી.










Thursday, December 8, 2016

ગુજરાતનું આ મંદિર 5 હજાર વર્ષ પહેલાં શ્રીકૃષ્ણએ બનાવેલુ, જુઓ અૈતિહાસિક નજારો

સૌથી વધુ પ્રાચીન સ્મારક કે ભવન હોય તો તે જામજોધપુર તાલુકામાં આવેલું ગોપનું મંદિર છે. આ મંદિર ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર ગણાય છે. આ મંદિરના કાળ અને દેવતા બાબતે હજુ પણ વિદ્વાનો એકસૂર નથી. કેટલાક તેને રામ-લક્ષ્મણનું તો કોઇ સૂર્ય મંદિર હોવાનું ગણાવે છે. એક ઐતિહાસિક માન્યતા મુજબ મંદિરમાં વિષ્ણુ-સ્કંદની મૂર્તિઓની પૂજા થતી હોવાનું માને છે.

મંદિરની બાંધણી અને સ્થાપત્ય કળા ઉપરથી તેમાં સિંધના મિરપુર ખાસની અસર દેખાય છે. ડો. આર.એન. મહેતા અને ડો. હસમુખ સાંકળિયાના મતે આ મંદિર પાંચમી સદીનુ હોવાની શક્યતા છે, કારણ કે મિરપુર ખાસના સ્તૂપને સરખાવવામાં આવે તો તેનો સમયગાળો ગોપના મંદિરને બંધબેસતો આવે છે અને કોઇપણ સંજોગોમાં જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ પહેલાનો હોઇ શકે નહીં. બન્ને સ્મારકો ઉપર સેતા બારી, કોતરણી સમાન હોવા છતાં જૂનાગઢ ગોપ કરતા પહેલાનું ગણાય છે. ગોપના મંદિરે વૈદિક હેતુઓ ગુમાવી દીધા છે. વળી મંદિરની આજુબાજુમાંથી પોલીશ્ડ રેડ વેર(લાલ ઠીકરો) ઉપરથી મંદિર ક્ષત્રપ કાલન હોવાની માન્યતા દૃઢ બને છે.

Wednesday, December 7, 2016

Selfie with Shiva: સમુદ્રની લહેરો વચ્ચે 196 વર્ષથી અડીખમ છે આ શિવ મંદિર

અરબી સમુદ્રના કિનારે આવેલુ છે પ્રસિદ્ધ કોટેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર. આ તીર્થધામ ભારતનું એક સુવિખ્યાત યાત્રાધામ તરીકે ઓળખાય છે. આ મંદિરનો ઇતિહાસ પણ ખૂબજ અનોખો છે. કહેવાય છેકે. રાવણે આકરું તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા, જેના વરદાન સ્વરૂપ તેણે શંકર લિંગ પોતાની સાથે લંકા લઇ જાવ માગ્યું. ભગવાન શિવે વરદાન તો આપ્યુ પણ સાથે એ શરત મુકી કે, લંકા પહોચ્યા પહેલા જો આ લીંગ જમીન મુકાશે તો તેની પ્રતિષ્ઠા તેને ત્યાજ કરવી પડશે. વરદાન મળ્યા બાદ રાવણ શિવલીંગ લઇને લંકા તરફ નીકળી ગયો, બ્રહ્માજીએ નારાયણ સરોવર પાસે ખાડામાં ફસાયેએલી ગાયનું સ્વરૂપ લધું. ગાયને બચાવા જતા રાવણે શિવલીંગને જમીન પર મુકી દીધી. લિંગ જમીન પર મુકતા જ તેના 1 કરોડ લિંગ બની ગયા. રાવણ સાંચી લિંગના ઓળખી શકતા તેણે ત્યાજ શિવલીંગની પ્રતિષ્ઠા કરી જે આજે કોટેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.
આ પવિત્ર તીર્થધામે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. અને અહિના અદભૂત નજારાનો આનંદ ઉઠાવે છે. તો બીજી તરફ આ પ્રાચીન મંદિર અરબી સમુદ્રના કિનારે આવેલુ હોવાથી ભક્તો દર્શનની સાથે સાથે સેલ્ફી પડાવતા પણ જોવા મળે છે.

કચ્છ રણોત્સવમાં સહેલાણીઓ માટે આવી હોય છે સુવિધાઓ, જાણો આ વખતે શું હશે ખાસ

કચ્છના ધોરડો ખાતે રણોત્સવની શરૂઆત થઇ ગઇ છે ત્યારે દેશ-વિદેશમાંથી આવતા સહેલાણીઓને કચ્છની સંસ્કૃતિ અને કલા કારીગીરીને નિહાળવા આવતા હોય છે. આ વાતથી આપણે બધા જ જાણકાર છીએ કે ગુજરાતના ખુણે-ખુણે ભવ્ય ઇતિહાસ અને અદભૂત કારીગીરીનો ખજાનો છુપાયેલો છે. એવું જ તેમાનું એક કચ્છ છે. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં રણોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કચ્છના ધોરડો ખાતે યોજાતો રણોત્સવ સહેલાણીઓને આકર્ષવામાં સફળ રહેતો હોય છે પરંતુ આ વર્ષે વરસાદી પાણી ન સુકાતા સફેદ રણનો નજારો તો માણી નહીં શકે અને સહેલાણીઓમાં નિરાશ જોવા મળતી હોય તેવું મનાઇ રહ્યું છે.

દેશ-વિદેશના સહેલાણીઓમાં ભારે આકર્ષણ ઉભું કરનાર રણોત્સવમાં દર વર્ષે ટેન્ટસીટી ઉભી કરવામાં આવે છે. આ ટેન્ટસીટીમાં આ આ વર્ષ પણ અંદાજીત 300 થી 350 જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. આ ટેન્ટસીટીમાં અલગ-અલગ પ્રકારની ટેન્ટની સુવિધાઓ આપવામાં આવે છે. જેમ કે ડિલક્સ એસી સ્વિસ કોટેજ, નોન એસી સ્વિસ કોટેજ, પ્રીમિયમ ટેન્ટ, ઈકોનોમી ટેન્ટ વગેરે જેવા ટેન્ટની સુવિધાઓ આપવામાં આવે છે. આ સાથે જ પ્રથમ વખત ટેન્ટસિટીમાં ઈકોનોમી ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જેના કારણે મધ્યમવર્ગના લોકો પણ આ રણોત્સવની મજા માણી શકે. તેમજ રણોત્સવમાં ક્રાફ્ટ બજાર પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ બજારમાં અલગ-અલગ ક્રાફ્ટ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં કચ્છના અલગ-અલગ ગામોના હસ્તકળાના કારીગરો પોતાની કારીગરી સહેલાણીઓ સમક્ષ રજૂ શકે છે.


Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies