ગુજરાતનાં મહત્ત્વનાં દર્શનીય અને પવિત્ર તીર્થધામો પૈકીનું એક જૈન
ધર્મનું મહુડી તીર્થધામ છે. મહુડીમાં મૂળનાયક પદ્મપ્રભુ જિનેશ્વર ભગવાનનું
24 તીર્થંકર ભગવંતની દેરીસહિતનું જિનાલય આવેલું છે. આ મંદિરની પ્રતિષ્ઠા
યોગનિષ્ઠ આ.ભ. શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજીના હસ્તે કરવામાં આવી હતી.
જૈનશાસનના બાવન વીરો પૈકી ત્રીસમા વીર ઘંટાકર્ણ મહાવીર દેવની પ્રતિષ્ઠા પણ
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજીએ કરેલ છે. આમ મહુડીમાં તીર્થંકર ભગવાનનાં
દર્શનની સાથે ધનુર્ધારી ઘંટાકર્ણ મહાવીરનાં દર્શન અને અહીંનો સુખડીનો
પ્રસાદ એ ભાવિકો માટે સંભારણું બની રહે છે. આ પ્રસાદ ઘરે કે મંદિરની બહાર
લઇ જઇ શકાતો નથી તે પણ એક વિશેષતા છે.
આ સુપ્રસિદ્ધ
મંદિરનો ઇતિહાસ જોઇએ તો સેંકડો વર્ષ પૂર્વે પ્રાચીન મહુડી ગામમાં
પદ્મપ્રભુસ્વામી ભગવાનનું જિનાલય હતું. સાબરમતી નદીના અતિ પ્રચંડ પૂરને
કારણે મહુડી ગામ ભયમાં આવી જતાં અગ્રણી જૈનોએ નવું ગામ વસાવી ત્યાં વસવાટ
કરી નૂતન જિનાલય બનાવી મૂળ નાયક પદ્મપ્રભુસ્વામી, આદેશ્વરસ્વામીની
પ્રતિષ્ઠા સંવત 1974માં માગશર સુદ 6ના દિવસે આચાર્ય બુદ્ધિસાગર સુરિશ્વરજી
દ્વારા કરવામાં આવી તથા પૂ. ગચ્છાધિપતિ કૈલાસસાગર સૂરિશ્વરજી અને પૂ.
સુબોધસાગર સુરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં 27 જિનાલયનું નિર્માણ કરવામાં
આવ્યું અને ત્યારથી આ મહાન તીર્થનો વિકાસ થયો.
ત્યારબાદ
વિ.સંવત 2039માં કૈલાસાગર સુરિશ્વરજી અને સુબોધસાગર સુરિશ્વરજીની
પ્રેરણાથી જિનાલયનો જીર્ણોદ્ધાર કરી મૂળનાયક પદ્મપ્રભુ ભગવાન, જમણી બાજુ
શ્રેયાંસનાથ અને શાંતિનાથ ભગવાન તથા ડાબી બાજુ શીતલનાથ અને વાસુપૂજ્ય
સ્વામીની પ્રતિષ્ઠા કરવામાં આવી.

