આજે અમે તમારા માટે ગ્રીન ટોમેટો સ્પેશિયલ વાનગીઓ લઈને આવ્યા છીએ. લીલા ટામેટાં સ્વાદમાં થોડાક ખાટા હોય છે પણ હા સ્વાદ અને ગુણોથી ભરપૂર તો ખરા જ. બસ તો આવા જ સ્વાદિષ્ટ ટામેટાંની અવનવી વાનગીઓ ટ્રાય કરો. સામાન્ય રીતે ગુજરાતી ઘરોમાં લીલા ટામેટાંનું ગોળવાળું શાક બનતું હોય છે. જે ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગતું હોય છે. આજે અમે તમારા માટે તમે નવીનતા તરીકે કઢી શાક અને ગ્રીન સાલ્સા જેવી વાનગીઓ લઈને આવ્યા છીએ. બસ તો પહેલા નોંધી લો આ રેસિપિ અને પછી ટ્રાય કરો તમારા રસોડે.
લીલા ટામેટાંની કઢી
-3 કપ સમારેલા લીલા ટામેટા
-1 કપ નારિયેળનું છીણ
-2 લીલા મરચાં સમારેલા
-1 ટેબલસ્પૂન તેલ
-1/2 ટીસ્પૂન રાઈ
-1/2 ટીસ્પૂન જીરું
-1/2 ટીસ્પૂન હિંગ
-7થી 8 મીઠા લીમડાના પાન
-1/2 ટીસ્પૂન ખાંડ
-1/4 કપ કોથમીર સમારેલી
-મીઠું સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ એક પ્રેશર કૂકરમાં 2 કપ પાણી, ટામેટાં, નારિયેળનું છીણ અને લીલા મરચાં બરાબર મિક્સ કરીને ત્રણ સીટી વગાડી લો. ત્યાર બાદ કુકર ઠંડું થવા દો. બરાબર ઠંડું થઈ જાય એટલે એક કપ પાણી ઉમેરીને તેને બરાબર બ્લેન્ડ કરી લો. એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે તેને ગાળીને એકબાજુ મૂકી દો. હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં જીરું, હિંગ અને મીઠો લીમડો ઉમેરીને સાંતળો. અડધી મિનિટ સાંતળ્યા બાદ તેમાં ટામેટાંની પ્યોરી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મીઠું, ખાંડ અને કોથમીર ઉમેરીને પાંચથી સાત મિનિટ માટે ચઢવા દો. ગેસ બધ કરીને ગરમા-ગરમ સર્વ કરો






