Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: ગુજરાતી ગઝલ
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

ગુજરાતી ગઝલ


ઉપવને (કવિલોક પર!) આગમન

તમારાં અહીં આજ  પગલાં  થવાનાં,
ચમનમાં બધાંને  ખબર થૈ  ગઈ  છે.
ઝુકાવી છે ગરદન બધી  ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર  થૈ ગઈ  છે.
શરમનો કરી ડોળ  સઘળું જુએ  છે
કળી   પાંદડીઓના  પડદે   રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
તમારાં નયનની અસર  થૈ  ગઈ છે.
બધી  રાત  લોહીનું  પાણી  કરીને
બિછાવી છે  મોતીની  સેજો ઉષાએ,
પધારો કે  આજે  ચમનની  યુવાની
બધાં સાધનોથી સભર થૈ  ગઈ  છે.
પરિમલની સાથે ગળે  હાથ  નાખી-
કરે  છે  અનિલ   છેડતી  કૂંપળોની,                       
ગજબની ઘડી છે  તે  પ્રત્યેક વસ્તુ,
પુરાણા  મલાજાથી પર થૈ  ગઈ છે.

ગની દહીંવાલા

----------------------------------------------------------

ના માંગ  એની પાસે  ગજાથી  વધુ  જીવન,
એક પળ  એ  એવી  દેશે  વિતાવી નહીં શકે.
અંતિમ  દર્દ  હોય  તો  આવે  છે  સ્તબ્ધતા,
સાચો  વિરહ  છે  એ જે  રડાવી  નહીં  શકે.

તે  વેળા  માન  તારી  મહત્તા  બધી  ગઈ,
જ્યારે   તને  કશું  ય   સતવી   નહીં શકે.
એવા  કોઈ  સમયને  હું  ઝંખું  છું  રાતદિન,
તું  આવવાને  ચાહે,  ને  આવી   નહીં  શકે.

એક જ  સલામતી  છે કે  પડખામાં દિલ રહે,
એ  બહાર  જો જશે  તો  બચાવી  નહીં  શકે.

વાસી અબ્બાસ અબ્દુલ અલી ( મરીઝ )

જન્મ: સુરત    વસવાટ: મુંબાઈ     વ્યવસાય: પત્રકાર

સુખનવર શ્રેણી ( મરીઝ ) માંથી સાભાર

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

----------------------------------------------

અદમ ટંકારવી

ગુજલિશ ગઝલો માંથી સાભાર
બાગમાં ક્યાં હવે ફરે છે સનમ
વેબસાઇટ ઉપર મળે છે સનમ

ફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો
અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ
મૅમરીમાં ય હું સચવાયો નહીં
તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ

ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ
ડૉટ થઈને તું ઝળહળે છે સનમ
આ હથેળીના બ્લૅંક  બૉર્ડ ઉપર
સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ
શી ખબર કઈ રીતે ડીકોડ કરું
સિલિકોન ચિપ કશું કહે છે સનમ

ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો
ફક્ત ઇ- મેઇલ મોકલે છે સનમ
દિલની ધડકન છે સૉફ્ટવેર હવે
એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ
લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે
ઍંટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

આંખ મારી આ થઈ ગઈ માઉસ
કિંતુ વિંડો તો ક્યાં ખૂલે છે સનમ
-------------------------------------------------------------------------
હજારો વર્ષમાં પહેલી વખત જે કંઈ બને બનજો
બધાની આંખ ઊઘડે એટલી મારી ગરજ પડજો.
અહીં સુક્કું અને લુખ્ખું વળી ટુકડે જિવાયું છે
હવે એ સર્વને ભેગું જીવું એવી ક્ષણો મળજો.
ઝરૂખો બારીઓ આકાશ ને એવું ઘણું જોયું
તમે કેવળ અને એક જ રહો એ દૃશ્ય વિસ્તરજો.
સૂરજ ઊગે તો અજવાળું અને ડૂબે તો અંધારું
એ સમજું છું ને અંદર છું એ જાણો તો મને હસજો.
મને માફક છે મારો દોષ ને તેથી સલામત છું
કહેવી હોય એની વાત તો સુંદર ગઝલ લખજો.
- મનહર મોદી
--------------------------------------------------------
કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું ;
મનતરંગથી ફેલાતો બસ ક્યાંનો ક્યાં જઈ પૂગું.
કોઈ ન જાણે કિયા દેશનો વાસી ને કાંઆવ્યો,
ખભે ઝૂલતી ઝોળીમાં કેવું કેવું લઈ આવ્યો.
ખોવાયું તે ખોળું ને આ મન સદાયનું મૂંગું
કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું.
અજાણતાંમાં ખીલ્યું’તું જે મહિમાવંતું સપનું,
ખરી પડ્યું ઓચિંતું મારે હતું ખૂબ એ ખપનું;
ભાળ ન પામે કોઈ ભીતરે ભર્યું કેટલું રૂંગું…
કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું.
- હરિકૃષ્ણ પાઠક
 --------------------------------------------------
જિંદગીભર આપણો છે સાથ, સાથે ચાલ તું !
હાથમાં મારા મૂકી દે હાથ, સાથે ચાલ તું !
હરકદમ પર કેટલાં પ્રશ્નો કસોટી કેટલી !
આ હજી તો માત્ર છે શરુઆત, સાથે ચાલ તું !
આપણું આ મૌન પણ દુનિયાને સંભળાતું હશે,
લે હવે કરવી નથી કંઈ વાત, સાથે ચાલ તું !
કોઈ પણ મારા વિચારોમાંય ફરકે ના હવે,
એકલી છે ખૂબ મારી જાત, સાથે ચાલ તું !
- રિષભ મહેતા
------------------------------------------------------
સાંજ ઢળે ને આવે તારાં સ્મરણોનું અજવાળું .
સાજણ, કેમ કરી સંભાળું !
એક અમસ્થી અટકળ લઇને કેમ બધું શણગારું ?
ભીંત,ટોડલો,આંગણ,ઉંબર ને હોવું આ મારું.
ઉજાગરાને આંખે આંજી શમણાં પાછાં વાળું.
સાજણ,કેમ કરી સંભાળું !
ઉભડક જીવે બારસાખ પર સૂક્કાં તોરણ ઝૂલે;
સૂરજનું છેલ્લું કિરણ લઇ ઇચ્છા અઢળક ખૂલે;
પાંગત પર બેસીને ઠાલાં પડછાયાં પંપાળું.
સાજણ,કેમ કરી સંભાળું !
-વિમલ અગ્રાવત
------------------------------------------------------
કોઈ ઈચ્છાની સતત મોસમ લખે છે,
એમ મારા શ્વાસમાં ફોરમ લખે છે.
પથ્થરોમાં કોતરાતી યાદ તારી -
દોસ્ત તારો સાદ, લીલુંછમ લખે છે.
આ હવામાં સ્પર્શ તારો સળવળે છે,
ટેરવાં, કાગળ સમું રેશમ લખે છે.
પત્ર તારો આવશે એવી દિશાથી -
રાત આખી કોણ આ શબનમ લખે છે ?
આંસુના ચળકાટમાં જીવી રહ્યો છું,
કોણ આ અમને દુ:ખો કાયમ લખે છે ?
- મનિષ પરમાર
----------------------------------------------------
બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે
હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે
જો મૌન થઈને તું મારા હ્રદયમાં રહી ન શકે
તો આવ હોઠ સુધી શબ્દ થઈ ઊડી જાજે
હું શ્વાસ શ્વાસનું સામીપ્ય ઝંખતોય નથી
હું ગૂંગળાઉં નહીં એ રીતે વહી જાજે
તૂટું તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ
જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે
જવું જ હોય તો રોકી શકે છે કોણ તને?
હું તો અહીં જ હઈશ, આવ તો મળી જાજે
- જવાહર બક્ષી
----------------------------------------------------
તું નજીક આવે અને જ્યારે અડે
જીવવા માટે જીવન ઓછું પડે
તું જ છે આઠે પ્રહરની આરઝુ
ને મને થોડી ઘડી તું સાંપડે
કેટલી તકલીફ પડતી હોય છે
સાવ સાચું બોલવાનું આવડે
કેમ વાવાઝોડું આવી જાય છે ?
એક બારી જે ઘડીએ ઊઘડે
હું જ મારી સામે આવી જાઉં છું
કોણ બીજું સામે આવીને લડે
તારી મૂર્તિઓ મને દેખાય છે
મન વગર હાથે ઘણાં શિલ્પો ઘડે
- ભરત વિંઝુડા
-----------------------------------------------------------
કહે છે, ઉનાળો તો આંસુઓ સારે
ને કારણ પૂછું છું તો કપડાં નિતારે,
તમે કાલ રાત્રે જે સપનાં ઉઘાડ્યાં
એ હમણાં બતાવું કે કાલે સવારે ?
અહીં ક્યારનો એમ બેસી રહ્યો છું,
કે પડછાયો મારો છે સામે કિનારે.
ઘણીવાર એમ જ ગગનમાં જઉં છું,
મને ચાંદ પોતાના ઘરમાં ઉતારે.
હવે ઉંઘ આવે તો દરિયાઓ ઢોળું,
ભલી આંખ મારા જ જેવું વિચારે.
અહીં રમ્ય ખુશ્બો અને કંટકો છે
એ જાણીને જે કોઈ આવે, પધારે.
સમય હોય ડંકા તો ચાલો વગાડો
અમે જોઈએ બાર વાગે છે ક્યારે ?
---------------------------------------------------------
અટકાવ તું ભલે ને તો પણ ધરાર થાશે આંખોની જેલ તોડી આંસુ ફરાર થાશે
અહીંયા તો દિવસે પણ અંધારપટ છવાયું કોઈ કહો ખરેખર ક્યારે સવાર થાશે?
સમજાવ સ્હેજ એને છેટા રહે નહીંતર તારા વિચાર મારા હાથેથી ઠાર થાશે
વૃક્ષોની જેમ જીવન જીવવાનું છે, અડીખમ વરસાદ, ટાઢ, તડકો સઘળુ પસાર થાશે
પંખીની જેમ હું પણ બેસીશ એની માથે સંજોગ જ્યારે જ્યારે વીજળીનો તાર થાશે
કુલદીપ કારિયા
----------------------------------------------------------------
નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી
મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી
કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે
પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી
હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે
એ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી
જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે
પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી
ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજના
ફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી
કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી
- હેમંત
----------------------------------------------------------
ટચલી આંગલડીનો નખ લટમાં પરોવી હું તો બેઠી, સજન ! મુંને એકવાર કાગળ તો લખ
કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું, વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું ? ચૂમી ચૂમીને કરી એંઠી, સજન ! હવે લૂછી દે પાંપણનાં દખ
છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં, પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા ? છાલક ના જાય જરી વેઠી, સજન ! હવે ઘોળી દે ઘૂઘવતાં વખ
- વિનોદ જોશી









No comments:

Post a Comment

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies