Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: સ્માર્ટ વિલેજમાં 100 ટકા માર્ક્સ મળ્યા - મહિલાઓએ બદલી નાંખી ગામની ઓળખ
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

Monday, December 19, 2016

સ્માર્ટ વિલેજમાં 100 ટકા માર્ક્સ મળ્યા - મહિલાઓએ બદલી નાંખી ગામની ઓળખ

આદર્શ અને હાઇટેક ગામ બાદલપરા

મહિલાઓએ બદલી નાંખી ગામની ઓળખ, પ્રેરણારૂપ બની રહ્યું છે ગુજરાતનું આ ગામ..

વેરાવળ : ગુજરાતમાં હાલ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીના પડધમો સંભળાઇ રહ્યાં છે. રાજ્યના અનેક ગામો સમરસ ગ્રામ પંચયાતની દિશામાં પહેલ કરી રહ્યાં છે અને વિકાસની નવી ગાથા લખવા જઇ રહ્યાં છે, પરંતુ સૌરાષ્ટ્રના વેરાવળ પાસે એક એવું ગામ આવેલું છે, જ્યાં પંચાયતી રાજની સ્થાપનાકાળથી લઇને અત્યારસુધી ક્યારેય કોઇ ચૂંટણી થઇ નથી, એટલું જ નહીં પરંતુ આ ગામનું સુકાન છેલ્લી ત્રણ ટર્મથી મહિલાઓના હાથમાં છે. મહિલાઓ પણ પોતાને સોંપવામાં આવેલી જવાબદારીને નિભાવી રહી હોય તેમ ગામને આજે એક આદર્શ અને નિર્મળ ગ્રામ તરીકે પ્રસ્થાપિત કર્યું છે. વિકાસની દ્રષ્ટિએ આ ગામ આજે અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યું છે. મહિલ બોડી દ્વારા સરાહનિય કાર્ય કરવામાં આવતા ગ્રામજનોએ સર્વાનુમતે ચોથી ટર્મ પણ મહિલાઓને સોંપવાનું નક્કી કર્યું છે.


 
પંચાયતી રાજની સ્થાપનાકાળથી વેરાવળ તાલુકાના બાદલપુરા ગામમાં એકપણ ચૂંટણી યોજાય નથી અને સતત બીહરીફ રહેલી આ ગ્રામ પંચાયતમાં છેલ્લા ત્રણ ટર્મથી સરપંચ અને સભ્યો સહિત સંપૂર્ણ મહિલા સમરસ બોડીની રચના કરવામાં આવી છે. આ મહિલા સમરસ બોડી દ્વારા ગામનો વિકસ પણ સુપેરે કરવામાં આવી રહ્યો છે. મહિલા બોડીએ આદર્શ ગ્રામ, નિર્મળ ગ્રામ, તીર્થ ગ્રામ સહિતને અનેક એવોર્ડ બાદલપરા ગ્રામ પંચાયતને અપાવ્યા છે. ગામમાં 100 ટકા શૌચાલય અને સ્વસ્છતા સાથે સુવ્યવસ્થિત આયોજન આ મહિલા સમરસ બોડી દ્વારા હાથ ધરવામાં આવી છે.

સ્માર્ટ વિલેજમાં 100 ટકા માર્ક્સ મળ્યા

તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ વિલેજની એક મહત્વપૂર્ણ યોજનાની અમલવારી થઇ રહી છે, જેમાં પણ બાદલપરા ગામને સો ટકા માર્ક્સ મળ્યા છે અને આગામી દિવસોમાં સ્માર્ટ વિલેજ માટેના જરૂરી સુવિધા સાથનો પ્રોજેક્ટ મહિલા સરપંચ ભાવનાબેનની આગેવાનીમાં ગ્રામ પંચાયત દ્વારા સરકારમાં રજૂ કરાયો છે, ત્યારે આગામી સમયમાં સ્માર્ટ વિલેજની યોજના પણ આ જ બોડીના કાર્યકાળમાં થાય તે માટે સમસ્ત ગામ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ મહિલા તબીબ ડો. હેતલ દેવરાજ દ્વારા તેમના બાદલપરા ગામને આધુનિક આદર્શ ગ્રામ તરીકે ગણાવી મહિલા સમરસ બોડીના ફાયદા જણાવતા કહ્યું છેકે સમરસ અને તેમાં પણ મહિલા સમરસ ગામ થાય તો સરકારની અનેક યોજનાઓ સાથે વધારાની ગ્રાન્ટ પણ સરકાર દ્વારા ગામને ફાળવવામાં આવે છે, જેના પગલે ગામનો વિકાસ વધુ સારી રીતે થઇ શકે છે, જેથી સમસ્ત ગામ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.


શું કહે છે મહિલા સરપંચ

એટલું જ નહીં દેશ જ્યારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી તરફ હરણફાળ ભરી રહ્યું છે ત્યારે મેટ્રો સિટીને પણ ટક્કર મારે તેવી સુવિધા બાદલપરા ગામમાં ઉભી કરવામાં આવી છે. જે અંતર્ગત સંપૂર્ણ ગામને વાઇફાઇ કનેક્ટિવિટીથી ઇન્ટરનેટ સાથે જોડવામાં આવ્યું છે. સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઇને ગામને સીસીટીવીથી પણ સજ્જ  કરવામાં આવ્યું છે. ત્યારે ફરી એક વખત સમસ્ત ગામે મહિલા બોડીને સત્તાનું સુકાન સોપતા આવનારી ટર્મમાં વધુ વિશેષ સુવિધાઓ બાદલપાર ગામમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવો નિર્ધાર મહિલા સરપંચ ભાવનાબને બારડે કર્યો છે. 

બેટી બચાવનું અભિયાન પણ ખરા અર્થમાં ચરીતાર્થ કર્યું છે

સોરઠ અને ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સમરસ બોડી સાથે અનેકવિધ એવોર્ડનું ગૌરવ ધરાવતા બાદલપરા ગામે બેટી બચાવનું અભિયાન પણ ખરા અર્થમાં ચરીતાર્થ કર્યું છે. ગત વર્ષના ઝેન્ડર રેશિયા(જાતી સર્વેક્ષણ) અનુસાર બાદલપરા ગામમાં દિકરાઓની સંખ્યા સામે દિકરીઓની વસ્તી આઠ ટકા વધુ નોંધાઇ છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં સતત ચોથીવાર મહિલા સમરસ બોડીની નિયુક્તિ સાથે બાદલપાર ગામના વડીલો અને યુવાનોએ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પ્રેરણારૂપ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

અહીં ખરા અર્થમાં મહિલાનું રાજ ચાલે છે

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી 15 કિલોમીટરનાં અંતરે આવેલું બાદલપરા ગામમાં વર્ષોથી સ્વચ્છતાનો ધ્યેયમંત્ર અમલમાં છે. ગુજરાતની પ્રથમ મહિલા સમરસ બોડી ધરાવતા આ ગામની સત્તા માત્ર મહિલાઓનાં જ હાથમાં છે. એટલે કહીં શકાય કે અહીં ખરા અર્થમાં મહિલાનું રાજ ચાલે છે. સીસીટીવી અને વાયફાય કનેક્ટિવીટીથી સજ્જ બાદલપરા ગામમાં મહિલા સરપંચ સહિત તમામ મહિલા સદસ્યો અને ગામનાં મહિલા તલાટીમંત્રી પણ ગામનાં વિકાસને આગળ વધારે છે.

સરસ્વતી નદીના કાંઠે વસેલું બાદલપરા ગામમાં પ્રવેશ કરતા જ એક અનેરો અહેસાસ થાય છે. સ્વચ્છતા, આધુનિક સુવિધા અને સુરક્ષાની દ્રષ્ટિએ આ ગામ ગુજરાતમાં એક અલગ જ રીતે ઉભરી આવ્યું છે. હાલનાં સમયમાં મેટ્રો સીટી પણ સંપૂર્ણ પણે વાઈફાઈ અને સીસીટીવી કેમેરાથી સજ્જ થઈ શક્યાં નથી ત્યારે મહિલાઓ સંચાલિત ગુજરાતનું આ ગામની સુવિધાઓ મોટી સીટીઓને પણ ઝાખપ લગાડી રહ્યું છે. ગામને સ્વચ્છ રાખવા માટે શેરીએ શેરીએ ગંદકી ન થાય તે માટે કચરાપેટીઓ મુકવામાં આવી છે અને પીવાના પાણી સમસ્યા ન ઉદ્દભવે તે માટે પણ આગવું આયોજન કરવામાં આવે છે.

મહિલાઓને પુરૂષોનો પણ સંપૂર્ણ સહકાર મળે છે

મહિલા શક્તિનું આગવુ ઉદાહરણ પુરૂ પાડતુ અને આશરે 1800ની વસ્તી ધરાવતું ગુજરાતનું બાદલપરા ગામમાં સો ટકા શૌચાલય સહીત સ્વચ્છ, સુઘડ અને સુરક્ષીત વિકાસ કાર્યોમાં મહિલાઓને પુરૂષોનો પણ સંપૂર્ણ સહકાર મળે છે. ગામનાં પુરૂષોએ મહિલાઓને સમોવડી ગણે છે અને માટે જ માત્ર મહિલા સરપંચ સહિત તમામ સભ્યો પણ મહિલાની સાથે પંચાયતનો કાર્યભાર મહિલાઓને સોંપ્યો છે. તેમ બાદલપરાની મહિલાઓએ પણ વિકાસ સાધીને આદર્શ ગામ બનાવી પુરૂષો કરતા ચડીયાતો વિકાસ સાબિત કર્યો છે.

તહેવારો સમયે નૌકાવિહાર કરી શકાય તેવી વ્યવસ્થા

બાદલપરા ગામમાંથી પસાર થતા વોકળા(નાની નહેર જેમાં વરસાદનું પાણી પસાર થાય છે)ને સુંદર રીતે સજાવી અને તહેવારો સમયે નૌકાવિહાર કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ગામમાં બગીચાઓમાં બાળકો માટે રમણીય રમતગમતનાં સાધનો સજ્જ કરવામાં આવ્યું છે. ગામની દિવાલો અને ઘરનો દિવાળો પરના સુંદર તૈલી ચિત્રો, ભીત સૂત્રો આકર્ષણનું કેન્દ્ર બને છે. ગામની દરેક શેરીઓ અને મહોલ્લામાં સાઉન્ડ સીસ્ટમ લગાવવામાં આવી છે, જેથી તમામ ગામલોકોને સામુહિક જાણકારી મળી રહે. મહિલાઓએ વીજળી, પાણી, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાને સુઘડ રીતે પ્રસ્થાપિત કરી એક આદર્શ ગામનું મોડેલ અપનાવ્યું છે.

વ્યસન મુક્તિમાં પણ આ ગામ આગવું સ્થાન ધરાવે છે

આધુનિક સુવિધા અને સ્વચ્છતાની સાથે વ્યસન મુક્તિમાં પણ આ ગામ આગવું સ્થાન ધરાવે છે. આ અંગે ગામનાં અગ્રણીએ જણાવ્યું હતું કે, આગામી પેઢીના ભવિષ્યને લઈને અને પાન-બીડી જેવું વ્યસન તેનામાં ન આવે એટલા માટે ગામના યુવાનો અને તમામે વ્યસન છોડવાનો સંકલ્પ કર્યો, જેનાં કારણે આજે લગભગ 95 ટકા લોકો વ્યસન મુક્ત થયા છે. સાથે જ આ આંકડો 100 ટકા સુધી પહોંચાડવાનો પ્રયાસ પણ ચાલી રહ્યો છે. જેનાં કારણે આજે ગામમાં ક્યાંય પાન-માવા-ગુટકા મળતા નથી અને પાનમાવા ખાતા પકડાય તો રૂા. 500નો દંડ ફટકારવામાં આવે છે.

પાણીનો મહત્તમ બચાવ કરવો, અને સ્વચ્છતા માટે એક નિર્ણય કર્યો

આ અંગે ગામનાં આગેવાન ભગવાનભાઈએ જણાવ્યું હતું કે, ‘બાદલપરા ગામમાં આજની તારીખ સુધી ગામનાં સહીયારા યોગદાનથી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી. અને તમામ ગ્રામજનોએ વર્ષ 2001થી પાણીનો મહત્તમ બચાવ કરવો, અને સ્વચ્છતા માટે એક નિર્ણય કર્યો છે. જેનાં કારણે હાલમાં પણ અમારા ગામમાં એક પણ ગલી કે મહોલ્લામાં ગંદગી જોવા નથી મળતી જેના પરિણામે ગામે આદર્શ ગામ, નિર્મળગામ, સો ટકા શૈાચાલય સહીતના ચારથી પાંચ એવોર્ડ પણ મેળવ્યા છે. સાથે જ દેશમાં મહિલાઓના વધી રહેલા મહત્વનાં અને મહિલાઓનાં કાર્ય પ્રત્યેની રૂચીને કારણે તમામ ગ્રામજનો દ્વારા તમામ મહિલાઓને ગ્રામ પંચાયતનો કાર્યભાળ સોંપવાનો નિર્ણય કર્યો.’

















No comments:

Post a Comment

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies