ગુજરાતનાં મહત્ત્વનાં દર્શનીય અને પવિત્ર તીર્થધામો પૈકીનું એક જૈન
ધર્મનું મહુડી તીર્થધામ છે. મહુડીમાં મૂળનાયક પદ્મપ્રભુ જિનેશ્વર ભગવાનનું
24 તીર્થંકર ભગવંતની દેરીસહિતનું જિનાલય આવેલું છે. આ મંદિરની પ્રતિષ્ઠા
યોગનિષ્ઠ આ.ભ. શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજીના હસ્તે કરવામાં આવી હતી.
જૈનશાસનના બાવન વીરો પૈકી ત્રીસમા વીર ઘંટાકર્ણ મહાવીર દેવની પ્રતિષ્ઠા પણ
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજીએ કરેલ છે. આમ મહુડીમાં તીર્થંકર ભગવાનનાં
દર્શનની સાથે ધનુર્ધારી ઘંટાકર્ણ મહાવીરનાં દર્શન અને અહીંનો સુખડીનો
પ્રસાદ એ ભાવિકો માટે સંભારણું બની રહે છે. આ પ્રસાદ ઘરે કે મંદિરની બહાર
લઇ જઇ શકાતો નથી તે પણ એક વિશેષતા છે.
આ સુપ્રસિદ્ધ
મંદિરનો ઇતિહાસ જોઇએ તો સેંકડો વર્ષ પૂર્વે પ્રાચીન મહુડી ગામમાં
પદ્મપ્રભુસ્વામી ભગવાનનું જિનાલય હતું. સાબરમતી નદીના અતિ પ્રચંડ પૂરને
કારણે મહુડી ગામ ભયમાં આવી જતાં અગ્રણી જૈનોએ નવું ગામ વસાવી ત્યાં વસવાટ
કરી નૂતન જિનાલય બનાવી મૂળ નાયક પદ્મપ્રભુસ્વામી, આદેશ્વરસ્વામીની
પ્રતિષ્ઠા સંવત 1974માં માગશર સુદ 6ના દિવસે આચાર્ય બુદ્ધિસાગર સુરિશ્વરજી
દ્વારા કરવામાં આવી તથા પૂ. ગચ્છાધિપતિ કૈલાસસાગર સૂરિશ્વરજી અને પૂ.
સુબોધસાગર સુરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં 27 જિનાલયનું નિર્માણ કરવામાં
આવ્યું અને ત્યારથી આ મહાન તીર્થનો વિકાસ થયો.
ત્યારબાદ
વિ.સંવત 2039માં કૈલાસાગર સુરિશ્વરજી અને સુબોધસાગર સુરિશ્વરજીની
પ્રેરણાથી જિનાલયનો જીર્ણોદ્ધાર કરી મૂળનાયક પદ્મપ્રભુ ભગવાન, જમણી બાજુ
શ્રેયાંસનાથ અને શાંતિનાથ ભગવાન તથા ડાબી બાજુ શીતલનાથ અને વાસુપૂજ્ય
સ્વામીની પ્રતિષ્ઠા કરવામાં આવી.
આચાર્ય બુદ્ધિસાગર
સુરિશ્વરજીએ અજ્ઞાન, વહેમ, ભૂત-પ્રેતાદિ અનિષ્ટ તત્ત્વોની પીડાથી
ધર્મભ્રષ્ટ, આચારભ્રષ્ટ તથા જૈનોને મુક્ત કરવા ઘંટાકર્ણ વીર દેવને
પ્રત્યક્ષ ભાવે સાક્ષાત્ કરી ભાવિકોને સહાયભૂત થવા વચનબદ્ધ કરી ફક્ત 12
દિવસના અલ્પ સમયમાં મહાપ્રભાવિક મૂર્તિનું ચારિત્ર્યવંત બે શિલ્પકારો પાસે
નિર્માણ કરાવી પદ્મપ્રભુસ્વામી જિનાલયની બાજુમાં ઘંટાકર્ણ વીરની સ્થાપના
વિ.સં. 1978માં કરવામાં આવી.
ત્યારબાદ વિ.સં.
1980માં પદ્મપ્રભુસ્વામી જિનાલયની જમણી બાજુમાં નવીન ભવ્ય દેવ મંદિરમાં
યોગનિષ્ઠ બુદ્ધિસાગર સુરેશ્વરજી મ.સા.ના પાવન હસ્તે પ્રતિષ્ઠા કરાવી.
અહીં આવતા યાત્રાળુઓની સગવડતા માટે ભોજનશાળાનું તથા યાત્રાળુઓ માટે અદ્યતન ધર્મશાળા પણ ઉપલબ્ધ છે. મહુડી ગાંધીનગરથી 48 કિલોમીટર તથા વિજાપુરથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે. પાકા રસ્તાઓથી જોડાયેલું હોવાથી રાજ્યનાં અન્ય શહેરોમાંથી એસ.ટી.ની સુવિધાઓ ઉપલબ્ધ છે.
મહુડીમાં
કુલ 23 મંદિરો આવેલાં છે. કાળીચૌદસના દિવસે ઘંટાકર્ણ મહાવીરનો યજ્ઞ યોજાય
છે. શ્રદ્ધાળુઓ પગના અંગૂઠાથી માથા સુધીની લંબાઇની નાડાછડી અથવા લાલ રંગની
કંદોરી જેની 108 ગાંઠો વાળે છે. મંદિર પરિસરમાં 45 જેટલાં ક્લોઝ સર્કિટ
ટીવી ગોઠવવામાં આવે છે. ઉપરાંત વહીવટી ટ્રસ્ટ તરફથી મેડિકલ સારવાર પણ અહીં
ઉપલબ્ધ છે.
No comments:
Post a Comment