Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: કવિતા
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

કવિતા

સવારની વાત સાંજે થાય ના
ગીત આવડે પણ ગવાય ના .
ખેંચી શકે એટલું તું ખેંચજે
જોજે જરા કે તૂટી જાય ના .
એમ તો હું એકલો ચાલી શકું ,
હોય સાથે તો જરા થકાય ના .
એક સરખા જો બધાય હોત તો ?
એટલે સરખામણી કરાય ના.
ભૂલ મારી કે બીજાની છે થઈ
પાકવાનું છે પણ પકાય ના .
રડવામાં કોઈ એવું ના કહે ,
છે ખરું કે એકલા હસાય ના?

----------------------------------------------------------

તમે તર્કને ખૂબ તાણી શકો છો,
છતાં ક્યાં રહસ્યોને જાણી શકો છો ?

તમે દર્પણેથી જરા બહાર નીકળી,
કદી અન્યનું કંઈ વખાણી શકો છો ?

તમે રોજ ઊઠી કશે ન જવાને,
ખરા છો ! કે ઘોડો પલાણી શકો છો !

તમે ધ્યાન રાખો છો વહેતી પળોનું,
પળેપળને વહેતી શું માણી શકો છો ?

તમે સૌ પ્રથમ તો કરો ખુદને સાબિત,
પછી જે ગમે તે પ્રમાણી શકો છો.


--------------------------------------------------------- 

એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી

------------------------------------------------------------

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે
- સૈફ પાલનપુરી
---------------------------------------------------
 
દર્દને ગાયા વિના રોયા કરો
જિંદગી માણ્યા વિના ખોયા કરો
બીક લાગે કંટકોની જો સતત
ફૂલને ચૂંથો નહીં, જોયા કરો
------------------------------------------------------
પ્રયાસો થતાં જ રહ્યા
ને મળ્યું લાંબા અંતરનું એક દિલ.
પ્રેમના તાતણે એવા બંધાતા જ
રહ્યા કે કદી તૂટે નહીં.
મળતાં જ રહ્યા પળે-પળે
ને પ્રેમના દીપ જલતાં જ રહ્યા દિન-રાત.
‘અફસોસ’ નથી આજે મને તારા નફરતનો,
પણ શીખ્યો ઘણો હું પ્રેમની દુનિયામાં કે
નફરત કરનારાઓ પણ ઘણા હોય છે.  
-------------------------------------------------------
 
જાંબુની ડાળ પરથી જાંબુ ખર્યું ને હું તો ઠળિયાને જોઈ રહી એમ,
જાણે મારો પ્રેમ.
હું અંદર અંદરથી કોરતી જાઉં
એવું મારામાં ખળભળતું શું ?
પાંદડું હશે કે પછી પાંદડાની છાયા
મારા શ્વાસોમાં સળવળતું શું ?
તોય પક્ષીની વાતોમાં નામ મારું નઈ ! હવે આંસુ રોકાશે કે કેમ ?
જાણે મારો પ્રેમ.
ઝરમરથી લઇ અને ધોધમાર જોયું ‘તું
પૂછશે તો કહીશું પણ શું ?
ઝાઝો ખાટ્ટો નહિ ઝાઝો મીઠ્ઠો નહીં
બસ એવો લાગે છે મને તું .
બાકી શબ્દોમાં રહીને તો પલળી જવાય એવો જાગ્યો છે ઊંડે ઊંડે વ્હેમ,
જાણે મારો પ્રેમ.
-વિજય ચલાદરી
-----------------------------------------------------------------------------

કોને રે કહીએ વાત!
કોઈ અમોને સમજે નહીં ત્યાં જઈને શી કરીએ પંચાત?
જે પળેથી આવ્યો ગોકુલ છોડી, જાત તરછોડી ખુદથી દૂર;
ખૂણે ખાંચરે ત્યારથી ઊભરે આંખ્ય વચાળે જમુના પૂર ..
શું કહીએ? ગયા અમારાં દિનો કેમ, ને કેમ વીતી છે રાત!.. કોને રે કહીએ..
રે! અહીં તો દયારામથી ર. પા. લગણ સૌ ભાળે એની રીસ;
હ્રદય આ મારું અહોનિશે જે પાડે અહીં તે કોઈ ના સૂણે ચીસ!
અપરાધ બસ કર્યો એ જ અમોએ, કે નહીં જન્મ્યાં નારી જાત!.. કોને રે કહીએ..
-વીરેન પંડ્યા (ટાણા) 
------------------------------------------------------------------

ચંચલી છે, મનચલી છે, બાથટબમાં માછલી છે,
ક્રીડતી કો  જલપરી છે, બાથટબમાં માછલી છે!
એય ડૂબે, હુંય ડૂબું, બેય ડૂબીને શ્વસીએ,
પંતિયાળી ચૂઈ મળી છે, બાથટબમાં માછલી છે!
મારું પરપોટા સમું અસ્તિત્વ એને છે કબૂલ…
ને ક્ષણેક્ષણ જિંદગી છે, બાથટબમાં માછલી છે!
-------------------------------------------------
ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ,
ક્યારેક એ અમૃત વલોવી જહર શોધીએ છીએ.
કદી મનનાં ઉપવન ખૂંદીને અહંને શોધીએ છીએ,
ને અહંના એ કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ.
ઉજાગરા સદીઓથી સદી ગયા છે અમને તોય,
કદી દીવો લઇ પેલી નિંદરને શોધીએ છીએ.
વાતો કડવી કરી કરી સ્વજનોને દુભવ્યા છે,
હવે એમનાં દિલમાં મીઠાશ શોધીએ છીએ.
કરી અલવિદા વતનને વસ્યા પરદેશ જઈ,
હવે વતનની પેલી મીઠાશને શોધીએ છીએ.
કદી ન આપ્યો આદર જેને ન હૂંફ આપી છે,
એની પાસેથી હવે સમભાવ શોધીએ છીએ.
સમજતો કેમ નથી જીવડા, વાવ્યું નથી જે,
એ લણવા માટે શી વરાપ શોધીએ છીએ?
સમંદર ને સરોવરને ચાલ્યા ઠોકરે ઠેલી
હવે મૃગજળમાં કાં જળ શોધીએ છીએ?
-------------------------------------------------------------------------
કોઠો પ્રેમનો એમાય વળી વરસાદ આવ્યો, કંઈ જામી છે !
ભીને, સૂકે ધગધગતો ઉન્માદ જગાવ્યો, કંઈ જામી છે !
કાચમાં કેદ સપના ભીના, ઢળેલા હતા એની રાહમાં,
નવો ટપાલી કાગળમાં જૂની વાત લાવ્યો, કંઈ જામી છે !
નફરતના દરિયામાં એક માછલી શોધે છે મીઠી વીરડી,
સેર ફૂટી ખુદમાં, અંતે રઝળપાટ ફાવ્યો, કંઈ જામી છે !
ભગવાન જેવા ભગવાનનેય એકલું ફાવતું નહોતું અહી
કેટલાય હતા, ભેગી આદમજાત લાવ્યો, કંઈ જામી છે !
આદિકાળથી શોધમશોધ, ગોતમગોત કરીને જોયું તો
સ્થાવર જંગમ જળ સ્થળ છે નાદ ગજાવ્યો, કંઈ જામી છે !
બળબળતા સૂરજની ઉપરવટ ફરતાં’તા ‘હાસ્ય’
આંબાની છાંય જેવો મીઠો સાદ આવ્યો, કંઈ જામી છે !

---------------------------------------------------------------------------------


હોય તેવા દેખાવાની, લાગે તેવુ દર્શાવવાની,
થાય મહેસુસ તે બોલવાની, કહેવું હોય તે કહેવાની,
કરવું હોય તે કરવાની, માથે ગગન ઉઠાવવાની,
ભીની લાગણીએ ભીંજાવાની, વગર બોલે સમજવાની,
પહેરો વાતો કરવાની, વાત-વાતમાં હસવાની,
હસતા-હસતા રડવાની,ન કોઇ કારણ આપવાની,
છુટ જ્યાં આમ જીવવાની, મૈત્રી ત્યાં મહેકવાની…..

-મૌસમી મકવાણા ‘સખી’

 

No comments:

Post a Comment

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies