હિંમતનગર, વિજયનગર: વિજયનગર તાલુકાના અભાપુર ટેન્ટ સીટી ખાતે 5મી જાન્યુઆરીથી પોળોત્સવ શરૂ થઇ રહ્યો છે. જેનો આરંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કરાનાર હોઇ ટેન્ટ સીટી અને રિસોર્ટ ખાતે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાબરકાંઠાના મિનિ કાશ્મીર ગણાતા આ પોળોના જંગમાં પાકૃતિક અને ઐતિહાસિક વિરાસતનો ખજાનો હોઇ પ્રવાસીઅો મોટી સંખ્યામાં આવે છે. જેની જાણકારી વધુ લોકો સુધી પહોંચે તે માટે ગત વર્ષથી આ ઉત્સવની શરૂઅાત કરાઇ છે.
વિજયનગર તાલુકાના અંદ્રોખાથી વણજ ડેમ સુધી પથરાયેલી વનરાજી અને ઐતિહાસિક પુરાતત્વીય ધરોહર તથા સમૃધ્ધ શિલ્પ સ્થાપત્યથી દુનિયાને વાકેફ કરાવી ટૂરીઝમને પ્રોત્સાહન મળે તે હેતુસર પ્રતિ વર્ષ શિયાળામાં પોળોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે 5મી જાન્યુઆરીથી 5મી માર્ચ સુધી ચાલનારા પોળોત્સવમાં વધુને વધુ પ્રવાસીઓ આવે તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 5મી જાન્યુઆરીએ પોળોત્સવના પ્રારંભ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિધાનસભા સ્પીકર રમણલાલ વોરા, પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવા, કલેકટર પી.સ્વરૂપ, ડીડીઓ હર્ષ વ્યાસ સહિત અધિકારીઓ હાજર રહેનાર છે.
ઉત્સવના આકર્ષણો
પોળોમાં ટેન્ટસિટી, રિસોર્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, એડવેન્ચર એકટીવીટી, રેલ રોડ, ક્રોસ લોગ, હેંગીંગ હેઝ, ઝીગ-ઝેગ બોર્ડ વોક, એક્રોસ વૂડન ફૂટ પ્રીન્ટ વોક, રોપ ટ્રાવર્ઝીંગ, બર્ડ વોકીંગ સહિતની સુવિધાઓ પ્રાપ્ત કરાવાઇ છે.